ડાયરાના શોખીન ગુજરાતીઓના મોઢે હાલ એક જ નામ રમી રહ્યું છે અને એ નામ એટલે કમાભાઈ. સ્ટેજથી માંડી સોશિયલ મીડિયા સુધી છવાઇ ગયેલો કમો ભારે ચર્ચાનું કેન્દ્ર પણ બની રહ્યો છે. સૌરાષ્ટ્રના કોઠારીયા ગામના વતની કમાભાઇ માનસિક વિકલાંગ છે. મંદબુધ્ધિ કે સ્લો લર્નર કહી શકાય એવી મનોસ્થિતિ ધરાવતાં કમાએ આજે લોકપ્રિયતામાં ઉંચી ઉડાન ભરી છે. સોશિયલ મીડિયા સુધી આજે કમાની ફેન્સની સંખ્યા લાખોમાં પહોંચી ચૂકી છે.

ડાયરાકિંગ કિર્તીદાન ગઢવી થકી આખું ગુજરાત અને દેશ-વિદેશના લોકો કમાને ઓળખે છે. કમાએ કોઠારીયાથી લઈને કેનેડા સુધી ધૂમ મચાવી દીધી છે અને તેઓએ તેમના ડાન્સ થકી મોટા ચાહક મિત્રો બનાવી દીધા છે. કમાભાઈએ એવું જણાવ્યું કે તેમને કિર્તીદાન ગઢવીએ ડાયરામાં બોલાવ્યા હતા અને તેઓએ ડાયરામાં જઈને એવો ડાન્સ કર્યો કે તેમને જોઈને બધા જ લોકો ખુશ થઇ ગયા હતા. આજે તેમને બધા જ કલાકારો ડાયરામાં બોલાવે છે અને તેમને બોલાવીને તેમને ઘણા રૂપિયા પણ આપે છે.

ગુજરાતમાં હાલ એક નામ ચર્ચાઈ રહ્યું છે જે છે 'કમો'. કમો કમાની રીતે... કમો તો ભાઇ કમો કહેવાય... કમો મોજ આવે તો બોલે નકર નો પણ બોલે... હાલ કલાકારોના મુખે આવા શબ્દો સાંભળવા મળે છે. સોશિયલ મીડિયા પર તમને કમો ક્યાંકને ક્યાંક દેખાયો તો હશે જ. ત્યારે આમ તો આખુ ગુજરાત હાલ કમાને ઓળખતુ થઇ ચૂક્યું છે પરંતુ કેટલાક લોકો હજુ કમાથી અજાણ છે.  કમો એટલે કમલેશ ભાઇ, જેઓ માનસિક વિકલાંગ છે. જેમને હાલ ગુજરાતના જાણિતા કલાકાર કીર્તિદાન ગઢવીએ ફેમસ બનાવી દીધો છે. હાલ કમો કમાભાઇ થઇ ગયો અને વટથી ડાયરા અને કાર્યક્રમમાં હાજરી આપે છે. મોટા મોટા નામાંકિત કલાકારો તેને કાર્યક્રમમાં અને સ્ટેજ પર બોલાવે છે. ડાયરાઓમાં કમાભાઇનું જોરદાર સ્વાગત કરવામાં આવે છે. કમાની હાજરી હોય તો પ્રોગ્રામ સક્સેસ થતો જોવા મળે છે. કમાભાઇને બધા મળે છે, કમાનું સન્માન પણ થાય છે. હાલ તે યૂટ્યૂબમાં ખુબ ફેમસ છે અને લોકગીતોની રમઝટમાં કમાનો ડાન્સ પણ સૌને પસંદ આવે છે. હાલ ગણેશ ઉત્સવામાં પણ કમો અનેક જગ્યાએ હાજર આપતો નજરે પડે છે. કમાને મળતા રૂપિયા એ જ પ્રોગ્રામમાં આપી દે છે. નહીંતો આશ્રમમાં આપી દે છે.


CM ભૂપેન્દ્ર પટેલ સાથે કમાએ મિલાવ્યો હાથ

ભાવનગરમાં ગુજરાત ગૌરવ સમિતિ દ્વારા કીર્તિદાન ગઢવીનું સન્માન કરાયું હતું. કીર્તિદાનને ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ દરમિયાન કીર્તિદાન દ્વારા કમાને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. કમાને સ્ટેજ પર આમંત્રણ પણ અપાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સહિતના રાજનીતિના દિગ્ગજો ઉપસ્થિતિ હતા. આ વચ્ચે ફેમસ દિવ્યાંગ સ્ટાર કમાભાઇ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મુખ્યમંત્રી સાથે હાથ મિલાવ્યો હતો અને પોતાની કાલીઘેલી ભાષામાં સૌલોકો સાથે સંવાદ સાધ્યો હતો.










સુપરસ્ટાર જેવી હોય છે કમાભાઇની એન્ટ્રી

હાલ આખા રાજ્યમાં જાણિતા બની ચૂકેલા કમાભાઇ લક્ઝરીયસ કારમાં ફરતા જોવા મળે છે. તેઓ મોંઘી કારમાંથી લોકોનું સમર્થન જીલે છે. કોઇપ્રસંગ, કાર્યક્રમ અને ઉદ્ઘાટનમાં તેમને મહેમાન તરીકે બોલાવવામાં આવે છે. કમાની એન્ટ્રી સુપર સ્ટાર જેવી હોય છે. સૌ કોઈ લોકો તેને હોશે હોશે વધાવી લે છે. લોકો તેમની સાથે સેલ્ફી પડાવવા માટે દોડી જાય છે.

















કીર્તિદાને મારો હાથ ઝાલ્યો અને મને સ્ટેજ પર બેસાડ્યોઃ કમાભાઈ

કમાનું કહેવું છે કે, પહેલા કોઈ પ્રોગ્રામમાં જવા નહોતા દેતા, હવે જવા દે છે. પહેલા કહેતા કે નિકળો બહાર એવું કહેતા. કીર્તિદાને મારો હાથ ઝાલ્યો અને મને સ્ટેજ પર બેસાડ્યો. હાલ કમાભાઇના જે વીડિયો વાયરલ થયા છે તેમાં તેઓ ભારત માતા કી જય, વંદે માતરમ અને મોદીજીના ભાઇઓ-બહેનો વાળા શબ્દો પણ ઉચ્ચારે છે. તે કહે છે કે તેને ઘરે જવું ગમતું નથી ગીત ગમે છે.






કીર્તિદાને કમાના લગ્નની કરી વાત

કીર્તિદાન ગઢવીએ સ્ટેજ પરથી કમાના લગ્નની વાત કરી હતી. તેમના લગ્ન માટે એક ગીત પણ ગાયું હતું. આ દરમિયાન તે થોડીવાર ઇમોશનલ પણ થઇ ચૂક્યા હતા. કીર્તિદાને કન્યા ધ્યાનમાં હોય તો પણ જણાવવા કહ્યું હતું. તો દેવાયત ખવડના ડાયરામાં કમાએ હસતા હસતા લગ્નની ના પાડી હતી.



ડાયરા જેવા કાર્યક્રમોમાં ખુબ રસ

કમલેશભાઇ કોઠારીયાને કેનેડા સુધી પહોંચાડ્યું છે. તેઓ નાનપણથી જ ડાયરો, સંતવાણી, આખ્યાન, રામામંડળ, ભજન, કથા, માતાજીનો માંડવો, ધાર્મિક કાર્ય, ડાક-ડમરૂ અને ધૂણવામાં ખુબ રસ ધરાવે છે. કમાભાઇ કાલીઘેલી ભાષામાં વાત કરી શકે છે. કોઠારીયા ગામના શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમમાં તે વધુ સમય પસાર કરે છે.



દિકરીને સાસરે વળાવે તેને કમો 10 રૂપિયા આપે

આખા ગામમાં કોઈ પણ દીકરીના લગ્ન હોય તો કમાભાઇ પોતાની બહેન માનીને શીખ આપે છે. 10 રૂપિયા આપીને બહેનને વળાવે છે. ગામમાં કોઇપણ પ્રસંગમાં કમાભાઇની હાજરી અચૂક હોય છે. 












કમાભાઈ ક્યારથી ફેમસ થયો ?

થોડા મહિના અગાઉ કમાના ગામ કોઠારીયામાં શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમ અને ગૌશાળામાં વજા બાપાની તિથિ નિમિત્તે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય કલાકાર તરીકે કીર્તિદાન ગઢવી હતા. આ દરમિયાન કીર્તિદાન ગઢવી ગીત ગાય રહ્યા હતા અને કમો ડાન્સ કરવા લાગ્યો હતો. રસીયો રૂપાળો રંગ રેલીયો... ઘરે જવુ ગમતું નથી... ગીત પર કમો પોતાની આગવી અદાથી નાચતો નજરે પડે છે. તો આ કાર્યક્રમમાં હાજર સૌકોઈએ કમાની વાહ વાહ કરી હતી. કીર્તિદાને તેમનું સ્વાગત કર્યું હતું. તો કમાથી પ્રેરાઈને કીર્તિદાને 2000 રૂપિયા આપ્યા હતા અને કમાનું નામ પણ લલકાર્યું હતું. ત્યારથી કમાની લોકપ્રિયતા ખુબ જ વધી ગઇ. સોશિયલ મીડિયામાં છવાઈ ગયો. અનેક ડાયરાઓમાં કલાકાર ડાન્સ કરતો જોવા મળે છે. લોકો પણ તેને ખુબ પ્રેમ આપે છે.




કમો કયા કયા કલાકારના ડાયરા અને કાર્યક્રમમાં જઇ ચૂક્યો છે

કમાને લોકચાહના અપાવવામાં મુખ્ય ફાળો આપનારા કીર્તિદાને ગઢવીના ડાયરામાં તે જોવા મળે છે, કમો દેવાયત ખવડ, રાજભા ગઢવી, સાગરદાન ગઢવી, અલ્પા પટેલ, જીગ્નેશ કવિરાજ, નેહા સુથાર, અપેક્ષા પંડ્યા, માયાભાઇ આહીર, તૃપ્તી ગઢવી, નિલેશ ગઢવી સહિતના નામાંકિત કલાકારોના ડાયરામાં કમો જઇ ચૂક્યો છે. હજુ પણ તેમને આમંત્રણ મળે છે. તો અનેક કલાકારો કમાને ગમતુ ગીત રસીયો રૂપાળો રંગ રેલીયો... ગાય છે અને કમાને કાર્યક્રમમાં યાદ કરે છે.






કોણ છે કમો ?


કમો એટલે કમલેશભાઇ. તેનું નામ કમલેશ નરોત્તમભાઇ નકુમ છે. તેની 26 વર્ષ ઉંમર છે. તેમના પિતા નરોત્તમભાઇ ખેડૂત છે. કમાભાઇને 2 મોટાભાઇ છે, જેમનું નામ સુરેશભાઇ અને સંજયભાઇ. બન્ને લાદી સ્ટાઇલનું કામ કરે છે. કમાભાઇ સુરેન્દ્રનગર જીલ્લાન વઢવાણ તાલુકાના કોઠારીયા ગામના વતની છે. કમાભાઇ આ ગામના શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમમાં સેવાનું કામ કરે છે.




કમાને શું છે તકલીફ ?

કમાભાઇ માનસિક વિકલાંગ છે. તેમના માતા-પિતાના અનુસાર, કમાને જન્મથી જ મગજની તકલીફ છે. બાળપણમાં ડૉક્ટરે કહ્યું હતું કે, તે મંદબુદ્ધિ છે. તેનો કોઈ ઇલાજ નથી. ચાલશે નહીં, બોલશે નહીં, પણ ભગવાનની દયાથી ચાલતો અને બોલતો થઇ ગયો. પણ ભણી ના શક્યો. તેના ભણતરમાં કોઈ સુધારો થાય તેમ નથી. ગમે તેટલો પૈસો નાખશો કોઈ ફેર નહીં પડે. દેશી દવાથી પણ ફેર નથી પડ્યો. તેમની પાસે શબ્દો ઓછા છે પણ ભાવના આપણે સમજી શકીએ છીએ. ભગવાનનું કાર્ય હોય ત્યાં વયો જાય છે. 


કમાભાઇની માતા તેને કમો નહીં મારો કાનો કહે છે

તેની માતા માટે કમો નહીં પણ કાનો છે. તે તેને કાનો કહીને જ બોલાવે છે. પરિવારનું કહેવું છે કે, અમે હિંમત હાર્યા જ નથી, કમો ખાઇ પીને મોજ કરે છે. કમો તેની મોજમાં જ રહે છે. તેને જે કરવું હોય તે કરવા દઇએ છીએ. કમાને ભજીયા બહુ ભાવે છે. દૂધ લેવા જવું તેવું બધુ ઘરનું કામ પણ કમો કરે છે. અમે તો સાચવીએ પણ આખુ ગામ સાચવે છે. આશ્રમે વજાબાપા પણ સાચવતા હતા. એક દિવસ કોઈ નહોતું ઓળખતું હવો કોણ નથી ઓળખતું ?